નિવૃત્ત બેંક કર્મચારીને નફાની લાલચ આપી 32.65 લાખ ચાઉ કરનાર ઠગ મહેસાણાથી ઝડપાયો

સુરત ઃ શહેરમાં બેંકના નિવૃત વૃદ્ધને સારા નફાની લાલચે શેર બજારમાં રોકાણ કરાવ્યા બાદ સોનાના રોકાણમાં નુકશાન ગયું છે. રૂપિયા નહી આપો તો માણસો દ્વારા ઉચકી લેવાની ધમકીઓ આપી 32.65 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે વૃદ્ધે સુરત સાયબર સેલમાં ફરિયાદ આપતા પોલીસે મહેસાણાથી એક આરોપીની ધરપકડ કરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ બેંકના નિવૃત કર્મચારી છે. હાલમાં નિવૃત જીવન ગાળે છે. તેઓને મોબાઈલ પર પરથી એક ઇસમે ફોન કર્યો હતો. પોતાની ઓળખ રાજ પટેલ તરીકે આપી હતી. રાજ પટેલે શેર ટ્રેડીંગનો ધંધો સારો છે. એમ કહી રોકાણ કરવાથી સારો ફાયદો મળશે તેવી લાલચ આપી હતી. તેમજ અમારા બ્રોકર ક્રિશ્ના શેઠને ત્યાં ડીમેટ એકાઉન્ટ ખોલાવો તો તમને ઓછા ચાર્જમાં સારો એવો નફો અપાવશે. તેમ કહી તેમના કસ્ટમર શાહિદભાઈનો નબર આપ્યો હતો. તમે તેને ફોન કરીને તપાસ કરી શકો છો તેમ કહ્યું હતું. ત્યારબાદ શાહિદભાઈ નામના ઇસમેં વૃદ્ધને ફોન કરીનેક્રિશ્ના શેઠ શેર માર્કેટના સારા એવા જાણકાર છે. તેઓનું કામકાજ અને નાણાકીય વ્યવહાર સારો છે. તેમ વાત કરી હતી. ત્યારબાદ વૃદ્ધ પર ક્રિશ્ના શેઠનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, તમે અમારે ત્યાં શેર ટ્રેડીંગ માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવશો તો તમને સારો એવો નફો કરાવી આપીશું, અમારી ઓફીસ અમદાવાદ ખાતે આવેલી છે. તેમજ અમે નફા ઉપર 1 ટકા કમીશન લઈશું વગેરે વાતો કરી વૃદ્ધને વિશ્વાસમાં લઇ લીધા હતા, અને વૃદ્ધે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા બાદ વૃદ્ધને 5 લાખનું રોકાણ કરવા કહેતા વૃદ્ધે 40 હજારનું રોકાણ કર્યું હતું. જેમાં તેઓને 15 હજારનો નફો કરાવ્યો હતો. જેથી વૃદ્ધે બીજા 40 હજાર અને બાદમાં ૩ લાખનું રોકાણ કર્યું હતું. જેમાં તેઓને 3.76 લાખ્કનો નફો થયો હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે નફો તેઓના બેંક ખાતામાં જમા કરાવ્યા ન હતા. ત્યારબાદ ક્રિશ્ના શેઠ નામના ઇસમેં ફોન કરીને ગોલ્ડ અને સિલ્વરમાં ટ્રેડ કરેલા જેમાં 41 લાખની ખોટ આવી છે. જેથી તમે માર્જીનના રૂપિયા મોકલો કહીને વૃદ્ધને અમારા માણસો આવશે. તમને ઘરેથી ઉચકી જશે તેવી ધમકીઓ આપી હતી. યેનકેન પ્રકારે સતત ફોન કરીને નાણાની ઉઘરાણી કરવામાં આવતા અને ઉચકી જવાની ધમકીઓ આપવામાં આવતા ડરી ગયેલા વૃદ્ધે 32.65 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ વૃદ્ધે ડીમેટ એકાઉન્ટના સ્ટેટમેંન્ટની માંગણી કરતા તેઓને ગલ્લા તલ્લા કરવામાં આવી ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વૃદ્ધે રાજ પટેલ, ક્રિશ્ના શેઠ અને સાહીદ ભાઈને ફોન કરતા તેઓનો ફોન બંધ આવતો હતો. જેથી પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા વૃદ્ધે આ સમગ્ર મામલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર બનાવમાં તપાસ કરી રહેલી સુરત સાયબર સેલની ટીમે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેથી રાકેશ કાંતિભાઈ શંકરભાઈ પ્રજાપતિની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. સુરત સાયબર સેલના એસીપી યુવરાજ ગોહિલે જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ગુનામાં અન્ય કોઈ ઈસમો સંડોવાયેલા છે કે, કેમ તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર જનતાને અપીલ છે કે, કોઈ પણ અજાણ્યો વ્યક્તિ ફોન કરીને કોઈ પણ સ્કીમમાં રોકાણ કરવાથી ઓછા સમયમાં નફાની લાલચ આપે તો તે લાલચમાં ન આવી ને ખરાઈ કર્યા વિના નાણાકીય વ્યવહાર ના કરવો