બ્રાન્ડેડ કંપનીની નકલ કરી મિનરલ વોટર વેચવાનો પર્દાફાશ
ક્લીયર વોટરના અધિકારીઓ અને વરાછા પોલીસે ભાજીયાવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ધમધમી રહેલા પ્લાન્ટ પર દરોડો પાડયો
પ્લાન્ટ માલિક સામે કોપી રાઈટ ઍક્ટ હેઠળ નોંધાયો ગુનો
સુરત. શહેરના વરાછા વિસ્તારમાં મિનરલ પેકેજડ ડ્રીંકિંગ વોટર ક્લિયર બ્રાન્ડ ની કોપી કરીને નકલી પાણી વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ક્લિયર વોટરના અધિકારીઓની ટીમ અને વરાછા પોલીસ દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડી આ ગોરખ ધંધાનો ખેલ ખુલ્લો પાડવામાં આવ્યો હતો. આરોપીઓ સામે કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હજીરા ખાતે એનર્જી બેવરજીસ પ્રા.લી. કંપની દ્વારા ક્લિયર નામે મિનરલ પેકેજ ડ્રીંકિંગ વોટર નું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. ત્યારે કંપની ના સેલ્સ મેનેજર જય કુમાર અરવિંદ દેવાણી ને બાતમી મળી હતી કે વરાછાની ભાજિયાવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ક્લિયર બ્રાન્ડની નકલ કરી ને મિનરલ વોટર વેચવામાં આવી રહ્યું છે. સેલ્સ મેનેજર દ્વારા આ અંગેની જાણ કંપનીના સીઇઓ નયન શાહને કરવામાં આવતા તેમને આ બાબતે કાર્યવાહી કરવાના આદેશ આપતા અધિકારીઓની ટીમે પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. વરાછા પોલીસે અધિકારીઓની સાથે રાખી ઉપરોક્ત જગ્યાએ ધમધમી રહેલા પ્લાન્ટ પર દરોડા પડતા ડુપ્લીકેટિંગ નો ભાંડો ફૂટી ગયો હતો. પ્લાન્ટના સંચાલકો દ્વારા સિટી ક્લિયરના નામે ક્લિયર બ્રાન્ડના લોગો જેવો જ લોગોનો ઉપયોગ કરીને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસ દ્વારા આ મામલે સેલ્સ મેનેજર જય કુમાર દેવાણીની ફરિયાદના આધારે બ્રિજેશ દેવેન્દ્ર કુમાર ભાજીવાલા વિરૂદ્ધ કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.