નિમિષા પારેખ દ્વારા રચિત “મહેંદીકૃત રામાયણ” એશિયા બુક ઓફ રેકોર્ડ્સથી સન્માનિત 

— મહેંદી કલ્ચરના સ્થાપક નિમિષા પારેખ દ્વારા રચિત “મહેંદીકૃત રામાયણ” માં રામાયણની 51 ચોપાઈઓ પર આધારિત 51 જેટલાં પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર રજૂ કરવામાં આવ્યાં હતા

— એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી મળેલું આ સન્માન ખરેખર, દરેક ભારતીયોના મનમાં મહેંદી પ્રત્યેના માન, પ્રેમ-લાગણીનું સન્માન છે. મહેંદીની પ્રતિષ્ઠા અને ગૌરવની આ યાત્રામાં સહકાર અને સમર્થન આપનારા તમામ લોકોનો આભાર : નિમિષા પારેખ 

સુરત. સુરતના યુવાઓ, મહિલાઓ પોતાની પ્રતિભાના દમ પર સુરત, ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. આવા પ્રતિભાશાળી વ્યક્તિઓમાં નિમિષા પારેખનું નામ પણ સામેલ થયું છે. મહેંદી કલ્ચરના સ્થાપક અને દેશ-વિદેશમાં જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા રચિત “મહેંદીકૃત રામાયણ” ને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ ઉત્કૃષ્ઠ આર્ટ માટે તેમને પ્રમાણપત્ર એનાયત થયું છે. ઉલ્લેખનીય છે કે, નિમિષાબેન અને તેમની ટીમે રામાયણની વિવિધ 51 ચોપાઈઓ પર આધારિત 51 જેટલાં પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર રજૂ કર્યાં હતા, જેણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. 

જાન્યુઆરી-24 માં અયોધ્યામાં ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમાં સુરતમાં પણ અનેક ઐતિહાસિક આયોજન થયાં હતા. રામમંદિરની ભવ્યતાથી પ્રભાવિત થઇને નિમિષાબેને કઈંક નવી રચના સાથે તેમની મહેંદી કલાને ભગવાન રામજીના ચરણમાં પ્રસ્તુત કરવાના ખ્યાલ સાથે રામાયણના વિવિધ પ્રસંગોને મહેંદી સ્વરૂપે રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ટ્રેડિશનલ ડ્રેસમાં સુરતની 51 જેટલી બહેનોને હાથ ઉપર રામાયણની વિવિધ 51 ચોપાઇઓ આધારિત રામજન્મ,  બાલઅવસ્થા, સ્વયંવર, વનવાસ તરફ પ્રયાણ, સીતા હરણ, હનુમાન મિલાપ, સુગ્રીવ રાજ્યાભિષેક, રાવણ યુદ્ધ અને અયોધ્યામાં રામ દરબાર સુધીના 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કર્યા હતા. આ યુનીક આયોજને દેશ-વિદેશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.

આ એવોર્ડ અંગે નિમિષા પારેખે જણાવ્યું હતું કે, “મહેંદીકૃત રામાયણ” માં ભગવાન રામ અને માતા સીતા પ્રત્યેની મારી ભક્તિ અને આસ્થાને મૈં રામભક્ત બહેનાના હાથ પર વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કરી હતી. પોતાના આ આર્ટને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન અને સન્માન મળતાં તેમજ આ યુનીક કાર્યક્રમને વૈશ્વિક સ્તરે માન્યતા મળતા તેઓ ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. મહેંદી પ્રત્યેની તેમની લાગણી અને સન્માનની આ યાત્રામાં તેમને આર્શિવાદ સાથે સહકાર અને સમર્થન આપનારા તમામ લોકોનો તેમણે આભાર વ્યક્ત કર્યો છે. અત્રે એ પણ ખાસ નોંધનીય છે કે, વારલી આર્ટને મહેંદી સ્વરૂપે સૌપ્રથમ નિમિષાબેને જ પ્રસ્તુત કર્યું હતું. અમેરિકા, લંડન તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઇનોવેટીવ કોન્સેપ્ટએ લોકોની ખૂબ જ પ્રશંસા મેળવી હતી. 

ઉલ્લેખનીય છે કે, “એશિયા બુક ઓફ રેકોર્ડ્સ”, એ એશિયામાં પ્રતિભાને ઓળખવા માટેનું પ્લેટફોર્મ છે. તેમાં કલ્ચર, ક્રિએટીવ, ટેકનોલોજી, મેમોરિયલ સ્કીલ, શારીરિક સિદ્ધિ, યુવા વગેરે જેવી અલગ-અલગ શ્રેણીઓમાં વ્યક્તિઓની અનન્ય પ્રતિભા અને જુસ્સાને શોધીને તેમને સન્માનિત કરવામાં આવે છે.