સુરતમાં રહેતા સિતાર સાધક અને સંગીતકાર ભગીરથ ભટ્ટ “મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર” થી સન્માનિત

શ્રી ભગીરથ ભટ્ટ અનેક ફિલ્મો, ટીવી સિરિયલો અને લાઇવ શો માં સિતાર વગાડી છે અને તેઓ ઘણા બધા મ્યુઝિકલ રિયાલિટી શોનો પણ ભાગ રહ્યા છે

સુરત : સુરતમાં રહેતા સિતાર સાધક અને સંગીતકાર ભગીરથ ભટ્ટને “મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર”થી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ કમિટી દ્વારા એક ગુજરાતી કલાકારને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, તે ખરેખર સુરત અને ગુજરાત માટે ગર્વની ક્ષણ છે.

ખાસ કરીને મ્યુઝિક કેટેગરીની વાત કરીએ તો, એવા ઘણા દિગ્ગજ છે, જેમને આ સમાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં પદ્મશ્રી સોનુ નિગમજી, પદ્મશ્રી હૃદયનાથ મંગેશકરજી, પદ્મવિભૂષણ ઉસ્તાદ અમજદ અલી ખાનજી અને રૂપકુમાર રાઠોડજી સામેલ છે.

આ એવોર્ડ માત્ર સંગીતકારની શ્રેણી પૂરતો મર્યાદિત ન હતો, તે અભિનેતા, ચિત્રકારો, પ્રભાવકો, પત્રકારો, આર્કિટેક્ટ જેવા વિવિધ વધુ ક્ષેત્રો માટે પણ હતો.

છેલ્લા 25 વર્ષથી તેમની સિતાર સાધના કરી રહેલા ભગીરથ ભટ્ટે યુએસએ, યુકે, સ્વિટ્ઝર્લેન્ડ, ઓમાન, દુબઈ, દક્ષિણ કોરિયા, રશિયા, મોરેશિયસ, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા, કેનેડા અને બીજા ઘણા વિવિધ દેશોમાં લાઈવ ઈન્ડિયન ક્લાસિકલ શો, ફ્યુઝન શો અને બોલિવૂડ મ્યુઝિક શો કર્યા છે, જેણે વર્તમાન સંગીતના વલણમાં સિતારને ઘણું આગળ વધાર્યું છે. તેઓ ઈન્ડિયન આઈડલ, સા રે ગા મા પા, કેબીસી, એમટીવી અનપ્લગ્ડ અને ઘણા બધા મ્યુઝિકલ રિયાલિટી શોનો પણ ભાગ રહ્યા છે.

તેમની આ યાત્રા માત્ર ભારતીય પ્રોજેક્ટ્સ સુધી સીમિત નથી, તેમને અવતાર – ધ લાસ્ટ એરબેન્ડર, અમેરિકન ગાંધી વગેરે જેવી હોલીવુડની ફિલ્મોમાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

તેમણે પદ્માવત, મલાલ, હમ દો હમારે દો, મિશન રાનીગંજ, એક થા વિલન રિટર્ન્સ અને બીજી ઘણી બધી બોલિવૂડ ફિલ્મો માટે પણ સિતાર વગાડી છે.

આ યાદી હજી પૂરી થઈ નથી, તેઓ ભારતની કેટલીક શ્રેષ્ઠ વેબસિરીઝ જેમ કે બંદિશ બેન્ડિટ્સ, તાજેતરમાં રિલીઝ થયેલી હીરામંડી, કોટા ફેક્ટરી, ગુલક, ક્યુબિકલ્સ વગેરેમાં પણ અભિન્ન ભાગ રહ્યા છે.

તેમણે પવિત્ર રિશ્તા, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, અનુપમા વગેરે જેવી કેટલીક શ્રેષ્ઠ ટીવી સિરિયલો માટે પણ સિતાર વગાડી છે